મ્યુનિસિપલ સત્તાવાળાઓના બિસમાર રસ્તા, ટ્રાફિક નિયમન ઉપરાંત રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે કાન આમળ્યા હતા,

SAMAY NEWS007  19 એપ્રિલ 2019

મ્યુનિસિપલ સત્તાવાળાઓના બિસમાર રસ્તા, ટ્રાફિક નિયમન ઉપરાંત રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટે કાન આમળ્યા હતા, જેના કારણે તંત્રને હાઇકોર્ટ સમક્ષ શહેરને રખડતાં ઢોરના ત્રાસથી મુક્ત કરવાની બાંયધરી આપવી પડી હતી, પરંતુ અન્ય મામલાઓની જેમ આમાં પણ સમય જતાં સત્તાવાળાઓ નિષ્ક્રિય બન્યા છે.

રસ્તાની હાલતમાં ખાસ સુધારો દેખાતો નથી તો સતત વધતા જતા ટ્રાફિક પર અંકુશ મૂકવા ટીપીરોડને દબાણ મુક્ત કરવા સહિતની કામગીરી લાંબા સમયથી ઠપ થઇ છે. ઢોર પકડવાની કામગીરીમાં પણ સુસ્તી આવતાં રસ્તા પર ફરીથી ઢોરનો ત્રાસ વધ્યો છે.

શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર મ્યુનિસિપલ સત્તાધીશોનો ગત ઓગસ્ટ-ર૦૧૭થી હાઇકોર્ટ દ્વારા બિસમાર રસ્તા, ટ્રાફિક જામની સમસ્યા અને રખડતાં ઢોરના મામલે વારંવાર ઊધડો લેવાયો હતો.

આ સંદર્ભે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં જસ્ટિસ એમ.આર.શાહની બેન્ચ દ્વારા તંત્રને રખડતાં ઢોરના મામલે નક્કર કામગીરી કરવાનો આદેશ અપાયો હતો. જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે રોજનાં ૧૦૦ ઢોર પકડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. તે વખતે ઝોનદીઠ બે પ્રમાણે બાર ટીમને કાર્યરત કરાઇ હતી તેમજ શહેરમાં ‘ઓપરેશન રાઉન્ડ ધી ક્લોક’ કામગીરી દ્વારા ‘કેટલ ફ્રી અમદાવાદ’ની જાહેરાત કરાઇ હતી.

જોકે છેલ્લા પાંચ મહિનાથી તંત્રમાં સુસ્તી છવાઇ છે. હવે દિવસભર માંડ ૪૦ ઢોરને પકડી ઢોરવાડાના હવાલે કરાઇ રહ્યાં છે. ગત તા.ર ઓગસ્ટ, ર૦૧૮થી દંડની જોગવાઇમાં ર૦૦ ટકા જેટલો જબ્બર વધારો કરાયા બાદ પણ અનેક વિસ્તારમાં પશુપાલકો પોતાના ઢોરને રસ્તા પર નિરંકુશપણે છોડી રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં ગત તા.૧ થી ૧પ એપ્રિલ, ર૦૧૯ સુધીમાં તંત્રે કુલ પ૮૩ ઢોરને પકડ્યા હતા એટલે કે દરરોજના ફકત ૩૮ ઢોર પકડાયાં હતાં, જોકે અગાઉની જેમ હવે ૧ર ટીમના બદલે માત્ર ત્રણ ટીમ કાર્યરત છે. આ ટીમ પણ બે શિફ્ટમાં કામ કરી રહી હોઇ રખડતાં ઢોર પકડવાની કામગીરી અસરકારક રહી નથી. સાત ઝોનમાં ઢોર પકડવા માટે માત્ર એક જ ટ્રેકટર ટ્રોલી ફાળવાઇ છે અને તેમાં ૬થી ૮ ઢોરનો સમાવેશ થઇ શકતો હોઇ શહેરીજનો રખડતાં ઢોરના ત્રાસથી ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે.

બીજી તરફ ઢોર પકડવાની ટીમને સંવેદનશીલ વિસ્તારમાં ઢોર પકડવા માટે મોકલાતી નથી, કેમ કે તેમની સલામતી માટેના એસઆરપીના જવાનોને ચૂંટણીના બંદોબસ્તમાં મોકલાયા હોઇ આ ટીમ અત્યારે રજાના મૂડમાં છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.